Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.
આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે.
૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :
ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવતી વખતે આ સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી રહ્યા છે.
વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે તથા આપણો ઇતિહાસ કેવો હતો આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓને સમજાવવા માટે કેલીયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલે અનોખો આઈડિયા અપનાવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે હડપ્પીય સંસ્કૃતિ, મુઘલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજ, ટીપુ સુલતાનના સમયના તામ્ર અને ચાંદીના દુર્લભ સિક્કાઓ 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો .છે જેને લઇ વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસને સમજી શકે છે.
સિક્કા સંગ્રહનું અભૂતપૂર્વ કલેક્શન ભેગું કરનાર શિક્ષક હેમંતભાઈ પટેલ જણાવે છે કે વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે અને આ વિષયમાં રુચિ વધે તે હેતુસર મને સિક્કા સંગ્રહનો વિચાર આવ્યો હતો. કારણ કે ઇતિહાસ જાણવાનો મુખ્ય આધારભૂત સ્રોત સિક્કાઓ છે.
તેમણે સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે સિક્કાઓનો સંગ્રહ કરવાની શરૂઆત 2019થી કરી હતી .જેમાં જૂનો સમય સમજાવવા માટે પંચમાર્કના સિક્કા રજવાડી શાસન સમજાવવા માટે જે તે શાસનકાળના સિક્કા, બ્રિટિશ શાસન સમજાવવા માટે બ્રિટિશ સમયના સિક્કા, સ્વતંત્ર ભારતનો ઇતિહાસ સમજાવવા માટે દેશ નેતા અને ક્રાંતિવીરની છાપવાળા સિક્કા અને ઐતિહાસિક ઘટના સમજાવવા માટેના સિક્કા જેમાં આજે તેમની પાસે ઈ.સ. 500 થી લઈને 2024 સુધીના 362 જેટલા ચલણી સિક્કા અને 48 જેટલી જુદા જુદા દેશોની ચલણી નોટો છે.
હેમંતભાઈ પટેલ પાસે જોવા મળતાં સિક્કાઓમાં હડપ્પીયન સંસ્કૃતિના સિક્કા 1, ગઢઈયા રાજના સિક્કા 1, મુગલ કાલીન ચાંદીના સિક્કા 3, મુઘલકાલીન તાંબાના સિક્કા 25, કચ્છના સામ્રાજ્યના સિક્કા 15, મારવાડના સિક્કા 2, સિંધે સામ્રાજયના સિક્કા 2, ભોંસલે સામ્રાજ્યના સિક્કા 3, અંગ્રેજ સામ્રાજ્યના ચાંદીના સિક્કા 25, અંગ્રેજ સામ્રાજ્યના તાંબાના સિક્કાઓ 32 રોય સ્ટેજના સિક્કા 2 અને શિવાજીના સમયના સિક્કા 3. સંખ્યામાં જોવા મળે છે.
જ્યારે ભારત દેશ 1947માં આઝાદ થયો ત્યાર પછીના સમયના એટલે કે આઝાદી પછીના સિક્કાઓની વિવિધતાનો સંગ્રહ તેમની પાસે છે. જેમાં સ્લોગન આધારિત સિક્કાઓ 76, દેશ નેતાઓના સિક્કાઓ 57, વિદેશના સિક્કાઓ 37, વિદેશની ચલણી નોટો 16, વિવિધ પ્રકારના સિક્કાઓ 47 અને જૂની ચલણી નોટો 15ની સંખ્યામાં સંગ્રહ કરેલી જોવા મળે છે.
શ્રી હેમંતભાઈ પટેલની ન્યૂઝ ચેનલો, YouTube news, તેમજ બ્લોગર્સએ પણ નોંધ લીધી છે. જેની લિંક નીચે આપવામાં આવી છે.
No comments:
Post a Comment